keshavram kashiram shastri
કેશવરામ કાળિદાસ શાસ્ત્રી (કે. કા. શાસ્ત્રી)નો જન્મ સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલા માંગરોળમાં ૨૮ જુલાઈ, ઈ.સ. ૧૯૦૫ના રોજ થયો હતો. તેમણે માત્ર મેટ્રિક સુધીનો જ અભ્યાસ કર્યો હવો છતાં તેઓ એક સંશોધક, ભાષાશાસ્ત્રી, વ્યાકરણચાર્ય તેમજ સંપાદક તરીકે અજોડ કીર્તિ સંપાદન કરી ચૂક્યા છે.
દીર્ઘાયું જીવન જીવી ગયેલા શાસ્ત્રીજીનું જીવન સાદું, સરળ અને સંયમિત હતું. દરરોજ વહેલા ઊઠી તેઓ એલિસબ્રિજમાં આવેલા તેમના ‘મધુવન’ બંગલામાં આંટા મારતા. તેઓ એકવીસમી સદીના આધુનિક જગતનો એક જીવતો જાગતો ચમત્કાર હતા. ‘બોલે તો જાણે મોરલો ટહુંક્યો’ એમને મોઢે વ્યાકરણશુદ્ધ વાણી સાંભળવી એ પણ એક લ્હાવો ગણાય. તેઓ ચુસ્ત વૈષ્ણવી મરજાદી બ્રાહ્મણ હતા. એમનું વ્યક્તિત્વ દર્શનીય હતું. તેમ છતાં ધાર્મિક રૂઢિચુસ્તતા કે આંડબરનો એમને સ્પર્શ શુદ્ધાં થયેલો નહીં. તેમની બહુશ્રુતતાની તો ઈર્ષ્યા થયા વગર રહે નહીં. તેઓ જીવદયાના પૂરેપૂરા હિમાયતી હતા.
ભણતર ઓછું પણ ગણતર વધારે. એમની ઉંમરના વર્ષો કરતાં કદાચ વધુ ગ્રંથો એમણે લખ્યા હશે. જેવું અને જેટલું કામ એક આખે આખી સંસ્થા ના કરી શકે એવું અને એટલું કામ આ એકવડિયા બાંધાના માનવીએ કરી દેખાડ્યું હતું. છતાં એમની મોટપ તો એહતી કે એમની વિદ્વતા કે સાક્ષરતાનો અણસાર સુદ્ધા બીજાને આવવા દેતા નહીં. કે.કા. એટલે સદેહે હરતી ફરતી યુનિવર્સિટી જ જોઈ લ્યો. પંડિતાઈનો દાખલો એમણે ક્યારેય કર્યો નથી. સાલસ અને મળતાવડો સ્વભાવ. આંગણે આવી ચઢેલાનો આદરસત્કાર કરતાં કદી પાછી પાની ના કરે.
વાંચન અને સંશોધન એમનું વ્યસન. તેમ કરતાં તેઓ ના થાકતા કે ના કંટાળતા. ઈ.સ. ૧૯૨૨થી ચાલેલી એમની કલમે આજ સુધી પોરો ખાધો નથી. એમની પ્રવૃતિશીલતા જ કદાચ એમના નિરામય સ્વાસ્થય માટે જડીબુટ્ટી બની હશે. આઠ દશકાથી ચાલતી રહેલી એમની સર્જન યાત્રા ક્યારેય એક ક્ષણ પણ થોભી નથી. તેમનું સૂત્ર હતું, ‘કમ ખા, ગમ ખા’ તેઓ પ્રશંસા સાંભળી કદી ફૂલાયેલા નહીં કે ટીકા સાંભળી કદી ખિન્ન થયેલા નહીં.
ઈતિહાસ, પુરાતત્વ, સંશોધન, સંસ્કૃત, પ્રાકૃત, સંસ્કૃતિ અને ભાષાશાસ્ત્ર એમનાં રસનાં ક્ષેત્રો હતાં. તેઓ સ્પષ્ટ વક્તા હતા. પોતાનો અભિપ્રાય એ મોકળા મને રજૂ કરતા. કોઈની ખુશામત કરવાનું પાપ એમણે ક્યારેય કર્યુ નથી. જોડણીના મુદ્દે ગાંધીજી જેવા ગાંધીજી સામે પડકાર ફેંકતાંય તેઓ અચકાયેલા નહીં. પોતે પોતાના મતને દૃઢપણે વળગી રહેતા. બીજાની પ્રપતિભાથી અંજાઈને એમણે કદી સ્વના પોતને પાતળું પડવા દીધેલું નહીં.
ગુજરાતી ભાષા અને ગુજરાત માટે તેઓ બધું જ કરી છૂટેલા. એમણે તો એકલજાતે સમુદ્રમંથન કર્યું છે. એમાંથી નીકળેલું નવનીત એમણે દરેક ગુજરાતીને ચટાડ્યું છે. એમનો સ્પર્શ પારસમણિનો સ્પર્શ હતો. એમનો સ્પર્શ જે પામતું એ સોનું બની જતું. એમના જેવો સાક્ષર આખા ભારતમાં ભાગ્યે જ બીજો કોઈ થયો હશે.
હવે આપણે એમણે સર્જેલી કૃતિઓ વિશે જાણીશું. ભાષાશાસ્ત્ર અને વ્યાકરણ સંબંધી એમણે સર્જેલી કૃતિઓમાંભાષાશાસ્ત્ર અને વ્યાકરણ– અક્ષર અને શબ્દ, ગુજરાતી ક્રમિક વ્યાકરણ, અનુશીલન, ગુજરાતી ભાષાલેખન, ગુજરાતી વાગવિકાસ, ગુજરાતી રૂપરચના, ગુજરાતી ભાષાશાસ્ત્ર, ગુજરાતી વ્યાકરણશાસ્ત્ર, ભાષાશાસ્ત્ર અને ગુજરાતી ભાષા, ભાષા અને ગુજરાતી ભાષા, ગુજરાતી માન્ય ભાષાનું લઘુ વ્યાકરણ, વાગવિભવ
- કોશ – ગુજરાતી ભાષાનો લઘુકોષ, ગુજરાતી ભાષાનો અનુપ્રાસ કોષ, ગુજરાતી ભાષાનો પાયાનો કોશ, બૃહદગુજરાતી કોશ ખંડ.
- ઇતિહાસ – ગુજરાતી ભાષાનો વિકાસ અને અર્વાચીન ગુજરાતી ભાષાનું સ્વરૂપ, સૌરાષ્ટ્રની પ્રાચીન નગરીઓ, અસાંજો કચ્છ, અતીતને આરે.
- સંપાદન – ગોપાલદાસકૃત વલ્લભાખ્યાન, મહાભારત પદબંધ, રત્નેશ્વરકૃત ભાગવત સ્કંધ ૧,૨; ભીમકૃત પ્રબોધપ્રકાશ, દયારામકૃત ભક્તિપોષણ, હારસમેનાં પદ અને હારમાળા, શ્રીમહાપ્રભુસ્તુતિમુક્તાવલિ, શ્રીકૃષ્ણસ્તવનાવલિ, બ્રહ્મવાદપ્રવેશિકા, નરસિંહ મહેતાકૃત રાસ સહસ્ત્ર પદી, અસાઇત કૃત હંસાઉલિ, દલપત કાવ્ય, પ્રેમાનંદ કૃત મામેરું.
- નાટક – અજેય ગૌરી શંકર અને બીજી એકાંકીઓ, ખનદાન લોહી.
- ચરિત્ર – આપણા કવિઓ, આપણા સારસ્વતો.
- સામ્પ્રદાયિક – વૈષ્ણવ બાલ પાઠાવલિ, પુષ્ટિમાર્ગીય કીર્તન પ્રકાર, નારદ અને શાંડિલ્યનાં ભક્તિ સૂત્રો, ભગવદ ગીતા – તાત્વિક અભ્યાસ, વેદ ચિંતામણિ.
- સંસ્કૃત – સૌંદર્ય પદ્યમ, નવરત્ન સ્તોત્રમ્, અમરકોશ, વનૌષધિ કોશ, સિધ્ધાંત રહસ્યમ્.
- અનુવાદ – પ્રેમની પ્રસાદી, સંક્ષિપ્ત ભરત નાટ્ય શાસ્ત્ર, મુદ્રા રાક્ષસ, કાલિદાસનાં નાટકો, ષોડશ ગ્રંથ, ભાસ નાટક ચક્ર.
- અંગ્રેજી – Structural build up of a Thesis.
તેમની બહુશ્રુત વિદ્વતાની અને વિરાટ સાહિત્યસર્જનની કદર રૂપે
ઈ.સ. ૧૯૫૨માં તેમને ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ એનાયત કરવામાં આવ્યો હતો.
ઈ.સ. ૧૯૬૬માં અખિલ ભારતીય સંસ્કૃત સંમેલન તરફથી ‘વિદ્યાવચસ્પતિ’ની ઉપાધિ આપવામાં આવી હતી, તો પ્રયાગની ભારતીય પરિષદે તેઓને ‘મહામહિમોપાધ્યાય’ ની પદવીથી સન્માન્યા હતા.
ભારત સરકારે ઈ.સ. ૧૯૭૬માં તેમને ‘પદ્મશ્રી’ નો ખિતાબ આપી તેમનું બહુમાન કર્યું હતું.
આવી વિરલ સાક્ષર વિભૂતિને શત શત વંદન…………
કર્તા પરિચય:
કેશવરામ કાશીરામ શાસ્ત્રી (૨૮-૭-૧૯૦૫, ૯-૯-૨૦૦૬): ચરિત્રલેખક, કોશકાર, સંશોધક, સંપાદક, અનુવાદક. જન્મ માંગરોળ (સૌરાષ્ટ્ર)માં. મૂળ અવટંક ‘બાંભણિયા’.
પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ માંગરોળમાં.
૧૯૨૨માં મેટ્રિક. દરમિયાન પિતાજી પાસે વ્યાકરણ, કાવ્ય અને વેદાંતનું અધ્યયન.
૧૯૨૫થી કૉરોનેશન હાઈસ્કૂલ, માંગરોળમાં ગુજરાતી-સંસ્કૃતના શિક્ષક.
૧૯૩૭માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાં સંશોધક તરીકે નિમણૂંક.
૧૯૪૪માં મુંબઈ યુનિવર્સિટી તરફથી ગુજરાતીમાં અનુસ્નાતક અધ્યાપન માટેની માન્યતા.
૧૯૪૬થી ભો.જે. વિદ્યાભવન, અમદાવાદમાં અધ્યાપક-સંશોધકની કામગીરી સંભાળી.
૧૯૫૮થી ૧૯૬૧ દરમિયાન લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં સંશોધનકાર્ય.
૧૯૫૫થી ભો. જે. વિદ્યાભવનમાં માનાર્હ અધ્યાપક અને પીએચડી.ના માર્ગદર્શક.
૧૯૬૧થી ગુજરાત સંશોધન મંડળની અમદાવાદ શાખાના માનાર્હ નિયામક. ‘અનુગ્રહ’ તેમ જ ‘પ્રજાબંધુ’ના તંત્રી. ગુજરાત સાહિત્યસભાના મંત્રી અને ઉપપ્રમુખ.
૧૯૫૨નો રણજિતરામ સુવર્ણચંદ્રક.
૧૯૬૬માં ‘વિદ્યાવાચસ્પતિ’ની સંમાનનીય પદવી.
૧૯૭૬માં પદ્મશ્રીનો ખિતાબ.
૧૯૭૭માં ‘મહામહિમોપાધ્યાય’ની માનદ પદવી.
૧૯૮૬માં પૂનામાં ભરાયેલ ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનના પ્રમુખ.
એમની લેખનપ્રવૃત્તિનો આરંભ સંસ્કૃત ગ્રંથોના સંપાદન અને અનુવાદથી થયો. પરંતુ એમનું વિશેષ સત્ત્વ વિકસ્યું જૂની ગુજરાતીના ગ્રંથોના સંપાદનમાં તથા ગુજરાતી હસ્તપ્રતોને આધારે મધ્યકાલીન ગુજરાતી કવિઓને લગતી માહિતીના સંકલનમાં. એમણે ગુજરાતી ભાષા, વ્યાકરણ અને કોશના સંદર્ભમાં પણ વિશેષ પ્રદાન કર્યું છે.
રમણલાલ પાઠકે લખ્યું છે કે, શ્રી કે. કા શાસ્ત્રી જેવા સંશોધક અને વિદ્વાન ગુજરાતી સાહિત્યમાં તો આંગળીના વેઢે ગણાય એટલા જ છે. ભારતમાં પણ એમના જેવી વિદ્વતા અને સજ્જનતા વાળા બહું ઓછા હશે..??