24 ઓગસ્ટ વિશ્વ ગુજરાતી ભાષા દિવસ

દુનિયાભરમાં બોલાતી ભાષાઓની યાદીમાં ગુજરાતી ભાષાનું સ્થાન 24માં ક્રમે આવે છે.

 જય જય ગરવી ગુજરાત જેવા લોકપ્રિય ગુજરાતી કાવ્ય આપનાર ગુજરાતી સાહિત્યના આદ્ય કવિ અને સામાજિક પરિવર્તનના પ્રખર હિમાયતી એવા નર્મદા લાભશંકર દવે નર્મદ ની સ્મૃતિમાં તેમના જન્મદિવસે એટલે કે 24 ઓગસ્ટના રોજ વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી કરવામાં આવે છે.

સંસ્કૃત શબ્દ ‘ગુર્જરત્રા’ અને પ્રાકૃત શબ્દ ‘ગુજ્જરતા’ ઉપરથી ઉતરી આવેલ શબ્દ ‘ગુજરાત’ પરથી વિશેષણ બન્યું ‘ગુજરાતી’. 

નર્મદ

મૂળ નામ નર્મદાશંકર લાલશંકર દવે ‍(૨૪ ઓગસ્ટ ૧૮૩૩- ૨૬ ફેબ્રુઆરી ૧૮૮૬)

ગુજરાતી સાહિત્યના કવિ, નિબંધકાર, આત્મકથાકાર, નાટ્યસંવાદલેખક, કોશકાર, પિંગળકાર, સંપાદક અને સંશોધક હતા.

તેમનો જન્મ સુરતમાં થયો હતો.

અભ્યાસ

પાંચ વર્ષની ઉંમરે મુંબઈમાં ભૂલેશ્વરની નાના મહેતાની નિશાળથી વિદ્યારંભ. સુરતમાં ઈચ્છા મહેતા અને ફકીર મહેતાની શાળામાં અભ્યાસ. ફરી મુંબઈમાં પાયધૂની પરની બાળગોવિંદ મહેતાજીની સરકારી ગુજરતી નિશાળમાં. પછી સુરતમાં નવલશાના કોઠામાં બેસતી દુર્ગારામ મહેતાની નિશાળે.

૧૮૪૫માં અંગ્રેજી શાળામાં દાખલ. ૧૮૫૦માં મુંબઈની ઍલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટયુટમાં પ્રવેશ. કૉલેજનો અભ્યાસ અધૂરો મૂક્યો. ૧૮૫૨માં રાંદેરની શાળામાં શિક્ષક. ત્યાંથી સુરતની શાળામાં અને ફરીને.

૧૮૫૪માં મુંબઈ. મિત્ર ઝવેરીલાલ ઉમિયાશંકરના સૂચનથી ફરી કૉલેજ-પ્રવેશ. આ ગાળામાં કવિતા પ્રત્યે આકર્ષણ. વર્ગમાં શીખવાતી વર્ડઝવર્થની વર્ણનથી કવિતા અને એમાં નિરૂપાયેલી પ્રકૃતિનો મોટો પ્રભાવ પડ્યો.

સર્જન

નર્મદના ગદ્યલખાણોમાંના નિબંધોમાં ‘રસપ્રવેશ’ (૧૮૫૮), ‘પિંગળપ્રવેશ’ (૧૮૫૭), ‘અલંકારપ્રવેશ’ (૧૮૫૮), ‘નર્મવ્યાકરણ’ ભા.૧-૨ (૧૮૬૫), ‘વર્ણવિચાર’ (૧૮૬૫), ‘નાયિકા વિષયપ્રવેશ’ (૧૮૬૬) જેવા કાવ્યશાસ્ત્રીય સિદ્ધાંતલક્ષી નિબંધગ્રંથોનું ઐતિહાસિક મહત્વ છે. એમના તરફથી આ વિષયનું પાયાનું ને પ્રાથમિક જ્ઞાન ઉચિત પરિભાષામાં આપણને પ્રાપ્ત થયું છે.

‘ઋતુવર્ણન’ (૧૮૬૧), ‘હિંદુઓની પડતી’ (૧૮૬૪), ‘કવિચરિત’ (૧૮૬૫), ‘સુરતની મુખ્તેસર હકીકત’ (૧૮૬૫), ‘ઈલિયડનો સાર’ (૧૮૭૦), ‘મહિપતરામ રૂપરામ મહેતા’ (૧૮૭૦), ‘મહાપુરુષોનાં ચરિત્ર’ (૧૮૭૦), ‘મહાભારતનો સાર’ (૧૮૭૦), ‘રામાયણનો સાર’ (૧૮૭૦), ‘સાર શાકુંતલ’ (૧૮૮૧), ‘ભગવદગીતાનું ભાષાંતર’ (૧૮૮૨) ઉપરાંત ૧૮૫૦ થી ૧૮૬૫ સુધીનાં લખાણોના સંચયો ‘નર્મગદ્ય’ (૧૮૬૫) અને

‘નર્મગદ્ય’-૨ (૧૯૩૬) એમના ગદ્યગ્રંથો છે. ‘મારી હકીકત’ (૧૯૩૪) પશ્ચિમની ઢબે આત્મકથાનો નમૂનો પૂરું પાડતું આત્મચરિત્રાત્મક પુસ્તક છે. સત્ય, સંઘર્ષ અને ટેકથી ભરી જીવનસામગ્રીને એમણે એમાં નિખાલસપણે નિરૂપી છે. આત્મચરિત્રની બાબતમાં તેઓ ગાંધીજીના સમર્થ પુરોગામી છે. ઉપરાંત ‘ઉત્તર નર્મદચરિત્ર’ (૧૯૩૯) પણ પ્રકાશિત થયેલું છે. સીધી ઉદબોધનશૈલીથી કાર્યક્ષમ બનતું, વિચારણાથી ચિંતનના સ્તરો વચ્ચે આંદોલિત રહેતું, કાવ્યાત્મકતા અને સૂત્રાત્મકતાથી કૌશલ સાધતું એમનું ગદ્ય અહીં વ્યક્તિત્વની પ્રબળ મુદ્રાથી અંકિત છે; અને વિષયને મુદ્દાસર રીતે વિકસાવતા જઈને ઉદાહરણોથી-સંદર્ભોથી-વિષયને સ્પષ્ટ કરતું જતું હકીકતલક્ષી પણ છે.

મારી હકીકત (૧૯૩૩)

મુખ્ય લેખ: મારી હકીકત

મૂળે નર્મદે ‘નર્મગદ્ય’- પુસ્તક ૨ ના બીજા અંક તરીકે પોતાના આ આત્મચરિત્રની બે-પાંચ નકલો જ છપાવેલી અને પોતાના મરણ બાદ પ્રગટ કરવાની વિનંતી કરેલી. કવિના છેક જન્મશતાબ્દીવર્ષમાં પુસ્તકાકારે આ ચરિત્ર પછી બહાર આવ્યું. એમાં ૩ જી સપ્ટેમ્બર ૧૮૩૩થી ૧૮મી સપ્ટેમ્બર ૧૮૬૬ સુધીનું સ્વાત્મચરિત્ર છે.

દુર્ગારામ મહેતાના રોજનીશી રૂપે લખાયેલા આત્મચરિત્ર પછીનું વ્યવસ્થિત રૂપનું આ પહેલું આત્મવૃત્તાંત છે. એમાં જન્મથી શરૂ કરી ઘરડાં વડીલો અને માબાપની ઓળખથી માંડી શિક્ષણ, ઊંચુ શિક્ષણ, મંથનકાળ, પ્રયત્નકાળ, સુધારાનો પવન અને કવિનો યશઃકાળ તથા મધ્યકાળ નિરૂપાયેલાં છે. અહીં નિખાલસ કબૂલાત, રુચિને ભોગે પણ પ્રામાણિક કથનની ખેવના અને આત્મનિરીક્ષણનો સજગ પ્રયત્ન-આ ત્રણે વાનાં આત્મકથાકારની સભાન લખાવટ સાથે ગૂંથાયેલાં માલૂમ પડે છે. ઘડાતા આવતા ગદ્યમાં ઊતરેલી ભાષાની કેટલીક જીવંત લઢણો આ આત્મકથાની નિજી પૂંજી છે.

Leave a Comment