ગુજરાતી શબ્દકોશ

ગુજરાતી ભાષાના શબ્દકોશો અને જોડણીકોશોનો વિચાર કરીએ તો આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ છે .

દેશી રજવાડાઓમાં ‘ સયાજીશાસન શબ્દકલ્પતરુ ’ ‘ ભગવદ્ગોમંડળ ‘ વગેરે જેવા તત્કાલીન અને સ્થાનિક છતાં સાચી દિશાના પ્રયાસો જરૂર થયા હતા . નર્મદ ઈ . સ . ૧૮૭૩ માં ‘ નર્મકોશ ‘ તૈયાર કર્યો . એને ગુજરાતી ભાષાનો પ્રથમ વ્યવસ્થિત કોશ ગણી શકાય . તેથી તો નર્મદને ગુજરાતી ભાષાના પ્રથમ કોશકાર તરીકે યાદ પણ કરવામાં આવે છે .

નર્મદે નર્મકોશની પ્રસ્તાવનામાં પોતાના તે પ્રયાસ અને તેના ઉદ્દેશ વિષે સ્પષ્ટ નોધ્યું છે : “ ‘ જયાં સુધી પરસ્પર સંગતિ – વ્યવહાર વધ્યો નથી , ઘણા ગ્રંથકારો થયા નથી , અનેક કોશગ્રંથ થયા નથી , જ્યાં સુધી પ્રદેશ પ્રદેશની ભાષા સંમિશ્રણે એકરૂપ થઈ નથી , ત્યાં સુધી લેખનશુદ્ધિ વિષે અવિચળ નિયમ બાંધવા દુર્લભ છે . હમણાં નિયમ બાંધવા તે માત્ર એ વિશે લસ તથા ચર્ચા કરાવવાનું અને નિશાળમાં ભણનારાં યથેચ્છ વર્તે તેને અંકુશમાં રાખવાને માટે છે …

ગુજરાતી ભાષાના શબ્દોનો કાળ – કાળનાં રૂપાંતર જોવાથી સ્પષ્ટ જણાય છે કે ભાષા ઉત્તરોત્તર સુધરતી આવી છે . હમણાંની ભાષામાં કેટલાક શબ્દો એવા છે કે જે પોતાની છેલ્લી ને ઉત્તમ સ્થિતિમાં આવી રહ્યા છે અને કેટલાએક રૂડો સંસ્કાર પામતા જાય છે … આ શબ્દરૂપાંતર શુદ્ધ છે કે અશુદ્ધ એ કહેવું યોગ્ય નથી . કાળ પરત્વે ઓછું વધતું સુંદર છે એમ ભણવું યથાર્થ છે . ” ( નર્મદ ) આ પ્રયાસના સારાં ફળ જરૂર આવ્યાં હશે . આમ છતાં , ઈ . સ . ૧૯૨૯ માં ‘ સાર્થ જોડણીકોશ’ની પહેલી આવૃત્તિ બહાર પડી ત્યાં સુધી આ દિશામાં અપેક્ષિત સુધારો થયો ન હતો . તેથી તો , ગાંધીજીએ નોધવું પડયું કે ‘ અંગ્રેજી ભાષાના શબ્દોની જોડણી ખોટી કરતાં આપણને શરમ લાગે છે , તેના કરતાં માતૃભાષાની જોડણીનો વધ કરતાં આપણને વધારે શરમ લાગવી જોઈએ . ” અને આ શરમભરી સ્થિતિના કારણે ગાંધીજીએ ‘ સાર્થ જોડણીકોશ’ની પ્રથમ આવૃત્તિને આવકારતાં નોધ્યું કે હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી . ” તા . ૪-૨-૧૯૪૦ના ‘ હરિજનબંધુ’માં એમણે ફરી નોધ્યું કે “ જેવી અરાજકતા ગુજરાતી શબ્દની જોડણી વિષે પ્રવર્તે છે એવી ભાગ્યે જ બીજી કોઈ ભાષામાં હશે . મરાઠીમાં નથી , બંગાળીમાં નથી , તમિલમાં નથી , ઉર્દૂમાં નથી , યુરોપની ભાષાઓમાં તો નથી જ . જે ભાષાના શબ્દોની જોડણી બંધાઈ ન હોય તે ભાષાના બોલનારા જંગલી ન કહેવાય તો શું કહેવાય ? એમનો આક્રોશ છતાં આજે ૫૫ વર્ષ બાદ ઈ.સ. ૧૯૯૫ માં પણ આ સ્થિતિ – જોડણી વિયેની અતંત્રતા ઓછેવત્તે અંશે ચાલુ છે .

ગુજરાત વિદ્યાપીઠે તેમ જ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ તથા અન્ય સંસ્થાઓએ કોશો પ્રકાશિત કરી આ સ્થિતિ નિવારવા પ્રયાસો કર્યા છે . લોકશાહીમાં પ્રજાસત્તાક રાજ્યની પણ આ ક્ષેત્રમાં કંઈક જવાબદારી છે . સરકારે , ભાષા , સાહિત્ય , શિક્ષણના ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓને આવાં અનેકવિધ કાર્યો માટે સહાય કરવા ઉપરાંત પોતે પણ રાજ્યમાં શુદ્ધ ગુજરાતી ભાષાના વર્ગો માટે એક તાલીમ યોજના ઘડીને રાજ્યની ભાષાનિયામક કચેરી મારફતે ભાષાશુદ્ધિ માટે સંનિષ્ઠ પ્રયાસ કર્યા છે . મુખ્યતઃ આવા પ્રયાસને પૂરક થવા આ ‘ વ્યવહારોપયોગી ગુજરાતી ગુજરાતી શબ્દકોશ ‘ ભાષાના વિદ્વાનો પાસે તૈયાર કરાવી પ્રકાશિત કરવામાં આવ્યો છે .

મનુષ્ય જેમ જેમ આગળ વધે છે તેમ તેમ તેની ભાષા પણ વિકાસ પામે છે . સમાજનો વ્યવહાર જેમ સંકુલ અને આધુનિક બનતો જાય છે તેમ તેની અસર ભાષા પર પણ અનિવાર્યપણે થાય જ છે . આ સંદર્ભમાં વિચારીએ તો ઈ . સ . ૧૯૨૯ અને ઈ.સ. ૧૯૯૫ વચ્ચેના ૬૫ વર્ષના લાંબા ગાળામાં દેશ અને દુનિયામાં ઘણી પરિસ્થિતિઓ બદલાઈ ગઈ .

વિજ્ઞાન અને ટેકનોલૉજીએ હરણફાળ ભરી . દેશ સ્વતંત્ર બન્યો . લોકશાહી પરિપાટી અને મૂલ્યોની સાથોસાથે દેશમાં આધુનિકતાની અને ટેકનોલૉજીવિષયક વિકાસની અનેક ક્ષિતિજો ઊઘડી . આ બધાની ભાષા અને સાહિત્ય ઉપર ભારે અસર વરતાય એ સ્વાભાવિક છે . તેથી , ભાષાનું શબ્દભંડોળ તો વધ્યું જ . સાથોસાથ ગુજરાતી ભાષાના કેટલાક શબ્દો , અર્થો અને લઢણો ઘસાતાં ગયાં , અસ્ત પણ થતાં ગયાં . સંદર્ભભેદે શબ્દો નવા નવા અર્થોમાં પ્રયોજાતા રહ્યા , નવા અર્થો ઉમેરાયા .

NMMS પરીક્ષાની તૈયારી માટે ધોરણ 6 થી 8 સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાનની ટેસ્ટ

Leave a Comment