ગુરૂ પૂર્ણિમા

તુ જ તારો ગુરુ થા એ બ્રહ્મ વાક્ય જીવનમાં ઉતારવાની જરૂર છે.

ભગવાન દત્તાત્રેયે ૨૪ ગુરુઓ બનાવ્યા હતાં. દત્તાત્રેયના અવતાર મનાતા શ્રી રંગ અવધૂત મહારાજે ‘ગુરુ લીલામૃત’માં પણ આ ૨૪ ગુરુઓ કેમ તેની સમજ આપી છે.

હિન્દુ ધર્મ અને સંસ્કૃતિના ભગવાન દત્તાત્રેય એક જ એવા ભગવાન હશે જેણે એવો નિર્દેશ કર્યો કે તમે તમારો ઉત્કર્ષ કરવો હોય તો એક કીટક પાસેથી કે ગણિકા પાસેથી પણ જ્ઞાન મેળવી શકો. સૃષ્ટિ અને દરેક જીવને ઈશ્વરે એવું કંઇક ખાસ આપ્યું છે કે કાયમ વિદ્યાર્થી બનીને રહો તો તે બોધ પામી શકો

બીજી મહત્વની વાત. જ્ઞાન એટલે કોઈ સિધ્ધહસ્તે શું હાંસલ કર્યુ તે પ્રક્રિયા પામવી તે જ નહીં પણ શું ન કરવું જોઈએ તેવો બોધ કોઈ દ્વારા આપણે મેળવી લઈએ તો તેને પણ આપણો ગુરુ બનાવી શકાય તે ભગવાન દત્તાત્રેયનું તત્ત્વ જ્ઞાન નિરાળું છે. ચાલો આપણે પણ આપણા જે પણ સદગુરુ હોય તે પહેલાં તમામ ગુરુઓના ગુરુ દત્તાત્રેયના ૨૪ ગુરુઓને ગુરુ બનાવીએ.

જેમનામાં રંગ અવધૂત સમાયેલા તેવા બ્રહ્મલીન બાલ અવધૂત મહારાજે આ લખનારને માતર સ્થિત આશ્રમ અને હવે નિર્માણ પામી રહેલા મંદિરની ભૂમિ પર વિવિધ ફોટાઓના આધારે દત્ત બાવની અને ૨૪ ગુરુઓની સમજ આપતો સત્સંગ કર્યો હતો. જાણીએ ૨૪ ગુરુઓનું મર્મ જ્ઞાન.

પૃથ્વી : માનવ જગત દ્વારા વિકાસના નામે કે ભૌતિક સુખ માટે પૃથ્વીનું નિકંદન નીકળી રહ્યું છે તો પણ તે કેવી સહનશીલતા અને કરુણા દાખવે છે. તેના દેહ પર યાતના સહનકરીને જળ અને સ્થળનું અસ્તિત્વ શક્ય બનાવે છે. એટલું જ નહીં જીવ સૃષ્ટિના લાભાર્થે માટે કૃષિ અને વનસ્પતિ જગત સર્જવા દે છે.

જળ : જળ છે તો પ્રાણ અને જીવન છે પણ આપણે તેની સાથે કેવું વર્તન કરીએ છીએ. જળ જેના પણ સંપર્કમાં આવે છે તેનું શુધ્ધિકરણ કરે છે. મલિનતાને દર કરે છે. આપણે પણ એવા માનવી બનવું જોઈએ કે આપણા સંપર્કમાં આવનારને ખબર પણ ન પડે તેમ તે આચાર અને વિચારથી શુધ્ધતા પામે. બીજાને જીવન પૂરું પાડે.

વાયુ : વાયુ સતત વહન કરતોરહે છે તો જીવ સૃષ્ટિનો પ્રાણ શક્ય છે. જો વાયુ સૃષ્ટિના કોઈ ભાગ કે સ્થળથી આકર્ષાઈ ત્યાં જ આસક્તિ વશ સ્થિર થઈ જાય તો સૃષ્ટિ નાશ પામે. ભગવાન દત્તાત્રેય કહે છે કે હું પણ અનેકના સંપર્કમાં આવીશ પણ મારી ઉચ્ચ જીવન અને સાધનાની યાત્રામાં અંતરાયો ઊભો થાય તેવી આસક્તિમાં અટવાઈ નહીં જાઉં. સતત વહન કરતો રહીશ.

અગ્નિ : જે રીતે અગ્નિ તેજોમય છે અને હવન કે સંસ્કાર માટે પ્રગટે છે તેમ હું અગ્નિ જેવો તેજસ્વી તો બનું જ પણ કોઈ શુભ હેતુ કે કોઈના મોક્ષ માટે સદા હાજર રહેવા તત્પર બનીશ.

આકાશ: આકાશ પાસેથી એ શીખવાનું છે કે તે સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો અને બ્રહ્માંડને સમાવે છે પણ છતાં તેના મય નથી બનતું. તેના સંપર્ક કે સ્પર્શ સુધ્ધામાં નથી આવતું. બસ, હું આકાશ પાસેથી એવું શીખ્યો કે આપણો આત્મા પણ એવો જ છે અને રહેવો જોઈએ. આત્મા સ્થૂળ દેહ એટલે કે અંગો અને ઉપાંગો તેની ક્રિયાઓ, સૂક્ષ્મ દેહ એટલે કે મનોજગત અને પ્રાણની એકદમ નજીક છે છતાં તેની અસરથી કે જાણે હાજરીથી જ અજાણ હોય તે હદે મુક્ત છે. તે છે તો બધું છે છતાં જે છે તેમાં તેનથી. આવા આકાશને દત્તાત્રેય વંદન કરે છે.

ચંદ્ર: ચંદ્ર તો કાયમ પૂર્ણ સ્વરૂપે જ હોય છે પણ પૃથ્વીનો પડછાયો પૃથ્વીવાસીઓની નજરમાં તેને વધતો કે ઘટતો જુએ છે. તે જ રીતે આપણો આત્મા તો પૂર્ણ અને તેજસ્વી છે પણ આપણા કર્મો તેને ઢાંકી દે છે. જે સારા કર્મો અને વિચારો ધરાવે છે તેવી સત્વ વ્યક્તિનો આત્મા સહજ પ્રકાશે અને તે તેની આધ્યાત્મિક જ્ઞાનની સ્થિતિથી જોઈ શકાય છે જ્યારે જેના કર્મો તમસથી ભરપૂર છે તેનો આત્મા અમાસના ચંદ્ર જેવો ભાસે છે.ચંદ્ર કહે છે હું તો મૂળ સ્વરૂપે ઉજળો છું પણતમે તેનું વાસ્તવિક સ્વરૂપ બદલી નાંખો છો. આપણે પૂર્ણ અને કુદરતી ભેટ સમાનના મૂળ આત્મ સ્વરૂપ પર કાળા ડીબાંગ પડછાયા ન પાડીએ. 

સૂર્ય : સૂર્ય એટલે પ્રકાશ અને ઊર્જા. સૂર્ય વગરનું જીવન અને સૃષ્ટિની કલ્પના કરો. કૂકડો સૂર્યોદય થતાં મોટેથી સાદ પાડે છે પણ આપણો કલ્યાણકારક સૂર્ય રોજ ઉદય પામતા જુઓ હું આજે પણ તમારા ઉપકાર માટે ઊગ્યો છું તેમ બૂમ નથી પાડતો. સૂર્યને ગુરુ માનવાનું કારણ એ પણ ખરું કે જે તે વિસ્તાર કે પાત્રના આકાર અને પ્રતિબિંબને લીધે જુદા જુદા સમુદ્ર કે પાત્રમાંના પ્રવાહીમાં સૂર્ય પ્રકાશ ઝીલાતા પાણીનો રંગ બદલાયેલ લાગે છે. આ એક આભાસી નજારો છે. ખરેખર પાણીનો રંગ બદલાયો જ નથી હોતો. તે જ રીતે બ્રહ્મ તો સૂર્ય પ્રકાશ જેવું સત્ય છે પણ આપણા પાત્ર અને દ્રષ્ટિને લીધે જગત અને ભૌતિક સંસારને સત્ય માની લઈએ છીએ.સૂર્યને સત્ય તરીકે જુઓ અને બ્રહ્મને પણ.

કબૂતર : : એક શિકારીએ જાળ બિછાવી તેમાં કબૂતરને માટે દાણા પણ પાથરવામાં આવ્યા હતા. દાણાથી લોભાઈને બચ્ચું માતા પિતાને પૂછ્યા વગર મોહજાળમાં કૂદી પડ્યું. તેની પાછળ તેની માતા પણ તેને બચાવવા જાળમાં ફસાઈ અને હવે તેનો પતિ નર કબૂતર તેની પત્નીને બચાવવા કૂદી પડ્યો. ત્રણેય શિકાર બની ગયા. ફસાઈને મૃત્યુ પામ્યા. અહીં ભગવાન દત્તાત્રેયનો કહેવાનો અર્થ એમ નથી કે પરિવારજનોને બચાવવા પોતાનું જીવન સમર્પિત ન કરવું. પણ મોહ અને આસક્તિ તેમજ અજ્ઞાનના સંદર્ભમાં સમજવાનુ છે કે સંસાર આવી જ મોહજાળ છે. જાગ્રત રહેવાની જરૂર છે. ગુરુ અને માતા પિતાની ફરજ છે કે કેવા કેવા પ્રલોભનો દુનિયા રચશે તે કેળવણી પહેલેથી જ આપે.

અજગર : અજગરને ઈશ્વર અને સૃષ્ટિની અકળ લીલા પર પૂરી શ્રદ્ધા છે કે મારું નિર્માણ થયું છે અને મારે નિશ્ચિત વર્ષો જીવવાનું હશે તો મારે મારા ભોજનની શું ચિંતા કરવાની. અજગર આળસથી નહીં પણ ઈશ્વર પ્રત્યેના સંપૂર્ણ સમર્પણ

ભાવથી મહદ અંશે એક જગ્યાએ જ પચો રહે છે. તેને સામે ચાલીને શિકાર મળી જ રહે છે અને કોઈ વખત કેટલાય દિવસો જે અલ્પ મળે કે કંઈ ન મળે તેની ફરિયાદ કર્યા વગર તે ભૂખ સહન પણ કરી લે છે. અજગર બોધ આપે છે કે કુદરત આ લીલા તમારા માટે પણ કરે જ પણ આપણે બુધ્ધિથી વિકૃત અને અહંકારી બનીએ છીએ એટલે ઈશ્વર કહે છે કે ‘તો તું જ તારું સંભાળ.દાંત આપ્યા છે તો ચાવવાનું પણ આપશે’ તે કહેવત જેવી આ વાત છે.

સમુદ્ર : સમુદ્ર જેમ તેના ઉદરમાં હજારો નદીઓ સમાવી લે છે અને બદલામાં રત્નો આપે છે. જળ જીવ સૃષ્ટિ તેને. આધીન છે છતાં ઉકળતા ચરુ કે જ્વાળામુખી જેમ વર્તન નથી કરતો.આપણે પણ જુદી જુદી મતી ધરાવતાં લોકોને ઉદારતાથી નિભાવી લેવાના છે. સમાવી લઈને તેઓને સુખ અને દરિયાનો દરજ્જો આપવાનો છે બદલામાં રત્ન જેવી ઉન્નતિ આપવાની છે. દરિયાદિલ શબ્દ તે રીતે તો ઉદભવ્યો. આપણે સમુદ્ર જેવા બનીએ.

પતંગિયું(પરવાના) મોહાંધ બનીને પતંગિયું પ્રકાશથી અંજાઈને તેની બાહોમાં સમાઈ જઈને કૂદી પડે છે અને તેનો કણ અંજામ આવે છે તેમ પતંગિયાને તે રીતે ગુરુ માનો કે તે મને શીખવાડ્યું કે જોયા વિચાર્યા કે જાણ્યા વગર માત્ર દૂરથી દેખાતા ચળકાટથી અંજાઇ જઇને મારી ગિત અને મતી ગુમાવીને તેમાં કૂદી નથી પડવાનું. મારા આત્મિક વિકાસ માટે શું સારું અને કોનાથી દૂર રહું તેનો વિવેક મને પ્રાપ્ત થાવ,

મધમાખી મધમાખી ફૂલમાંથી રસ ખેંચવા સતત ઉદ્યમી રહે છે. તેમ મારા જીવનને મધુર બનાવવા વહેલી સવારથી જ પ્રવૃત્તિ અને ગતિશીલ રહું. મધમાખી સ્વાવલંબી છે. તેને તેનું મધ માતા કે પિતા નથી આપી શકતા. હું પણ મારી ધ્યેય પ્રાપ્તિ મધમાખીને જેમ કરું. માખી તો ઉકરડામાંથી પણ બાય પણ હું મધમાખી જ બન્યું જેની પાસે એક જ વિકલ્પ હોય અને તે મઘમઘતા ફૂલોનો રસ.જીવન પણ ઉત્તમ ગુણવત્તાસભર રહો.

ગજરાજ (હાથી) હાથીની એક નબળાઈ ઘણાને ખબર નહીં હોય કે તે માદા હાથીને જોતા કે દૂરથી તેની સુગંધ પારખીને પણ કામક્રીડા માટે હોશ ગુમાવી દેતો હોય છે.હાથીનો શિકાર કરવો આસાન છે. મોટા ખાડા પર ઘાસ પાથરી દેતા અને થોડે દૂર માદાને ઉભી રાખી હોય તો નર હાથી ભાન ભૂલીને નજીક નજરે દેખાતું છેતરામણું ઘાસ પણ જોઈ નથી શકતો અને શિકાર બને છે.ભગવાન દત્તાત્રેય જાતીય આકર્ષણ અને મોહિનીથી સાવધ રહેવા કહે છે. આવી વાસના ધ્યેયથી દૂર તો કરશે જ પણ જિંદગીથી પણ હાથ ધોઈ બેસવા નિમિત્ત બનશે. તમારા પરિવાર, રાષ્ટ્રને પણ બરબાદ કરી મૂકશે.

હરણ : હરણને નજીક લાવવું હોય તો ખાસ રાગ સાથે કંઠસ કે વાઘનું ગાયન – વાદન શિકારી કરતા હોય છે. આપણે નાચ, ગાન, મુજરા, બાર ગર્લ ડાન્સ પાર્ટીના અતિરેક દરમ્યાન જે સંગીત અને નૃત્ય શૈલી જોઈએ છીએ તે જીવનની પટરી પરથી નીચે ઉતારી દે છે.આપણા રાજ આવા સંગીત અને નૃત્યના દરબારના મોહમાં જ ગુમાવ્યા. હરણની પ્રકૃત્તિ અને દશાને સતત યાદ રાખવાની જરૂર છે.

માછલી માછલીની નબળાઈ અવનવા ભોજનની ખેવના છે. માછલીને પકડવા માટે ‘ફિશ હુક’ કે ‘ફિશ રોડ’ પર નીતનવો ખોરાક લટકાવાય છે. આમ જુઓ તો સમુદ્રમાં તેના માટે પર્યાપ્ત ભોજન હોય છે પણ તેને બહારનું અવનવું ખાવાના લટકા છે. તે જાણે પણ છે કે રોજ લાખો માછલી આ રીતે શિકાર બને છે તો પણ તે તેમાં ફસાય જ છે. ભગવાન દત્તાત્રેય કહે છે કે તમારું પતન અને ધ્યેયચુક સ્વાદના અતિરેકભર્યા અભરખાને લીધે પણ થાય છે. આહાર પર પણ સંયમ રાખો, વિવિધ વ્યંજન પણ વ્યસન જેવું છે.

ગણિકા : પિંગલા નામની વેશ્યા એક દિવસ તેના ગ્રાહકનો ઈંતેજાર કરતા થાકી ગઈ. તેણે છેક મધરાત સુધી આશા રાખી હતી તેનો વિશેષ થાક હતો. આખરે તેણે આશા ત્યજી દીધી. જેવી આશા ત્યજી તે સાથે જાણે બોજ મુક્ત થઈ ગઈ. તે ગણિકા તેના ઓરડામાં જે પડેલું તે ખાઈને સૂઈ ગઈ. તે દિવસે તેને ગાઢ નિંદ્રા આવી હતી. આપણને એવુ કહેવામાં આવતું હોય છે કે ‘આશા રાખો…છેક સુધી રાખો ..આશા અમર છે’ . પણ ઘણી વખત વાસ્તવિકતા સ્વીકારી આશા છોડી દો તેમ ભગવાન દત્તાત્રેય બોધ આપે છે. જે નથી જ થવાનું તેનો સ્વીકાર ભારે હળવાશની લાગણી આપે છે.

બીજું એ કે ગણિકાનો અહંકાર પણ કેટલો ઘવાયો હશે કે હું આટલી સ્વરૂપવાન તો પણ એક પુરુષ મધરાત સુધી હું તૈયાર થઈને બેઠી છું તો પણ ફરકતો નથી. તેવી જ રીતે તમે ગમે તેવી લાયકાત કે સજ્જતા ધરાવતા હો તો પણ તમારી ઈચ્છા ફળીભૂત ન થવાની હોય તો ન જ થાય.

સમડી: ભગવાન દત્તાત્રેયે જોયું કે આકાશમાં ઊડી રહેલી એક સમડીને મારી નાંખવા બીજી કેટલીયે સમડીઓ અને ગીધ તેની પાછળઊડી રહ્યા હતા. પેલી સમડીને થયું કે મેં આ લોકોનું શું બગાડ્યું છે તેઓ કેમ મને મારી નાંખવા માંગે છે. પછી તેને તરત વિચાર આવે છે કે ‘ઓહ, તેઓ મારી ચાંચમાં માંસનો મોટો ટૂકડો છે તે ઝડપી લેવા મારો શિકાર કરવા માંગે છે.’ તેણે તરત જ ચાંચમાંથી માંસનો ટુકડો જમીન તરફ ફેંકી દીધો. તે સાથે જ પાછળ ઊડી રહેલા પંખીઓનું ઝુંડ જમીન તરફ ધસી રહેલ માંસના ટુકડા તરફ ફંટાઈ ગયું.

બસ આ જ રીતે આપણે આપણા દિમાગમાં કોઈ પ્રલોભન, જીવનમાં બનેલ કોઈ કડવો અનુભવ કે કોઈ એવી વસ્તુ કે વિચાર લઈને બેઠા હોઈએ છીએ જે આપણી અશાંતિનું મૂળ છે. સમાજમાં કોઈ આપણી ઈર્ષા કરે કે પાછળ પડે તો તેણે આપણે જે આપણા માટે એટલું મહત્વનું નથી તે હડપી લેવાની ઈચ્છા હોય છે. આપણને અશાંતિ કે અસલામત લાગે તેવું કે દ્વેષ ઉભુ કરતું પડતું મૂકી દેવું. સમડીએ સમજદારી અને માંસના ટુકડાનો  લોભ જતો કર્યો તેમ.

બાળક : બાળકની સંભાળ ઈશ્વર એટલે કરે છે કેમ કે તે બાળક નિર્મળ અને નિર્દોષ બનીને રહે છે. તે સ્વયં મસ્તીમાં રહે છે. કારણ નાનું હોય તો પણ ખડખડાટ હસી શકે છે. આપણે ગમે તેટલા વયસ્ક બનીએ. બૌદ્ધિક, શિક્ષિત અને દીક્ષિત બનીએ. પણ આપણું હૃદય અને કુતૂહલ બાળક જેવું હોવું જોઈએ.

કન્યા : એક કન્યા ઘરમાં વાસણ ઘસતી હોય છે તેથી તેના બંને હાથમાં પહેરેલી એકબીજા જોડે અથડાતી બંગડીઓ અવાજ કરતી હતી. કન્યા અવાજ છુપાવવા બંગડીઓ વારાફરતી તોડી નાંખે છે તો પણ બે બંગડી પણ અવાજ કરે છે. તેને જોવા આવેલ શ્રીમંત પરિવારને સમજાય જાય છે કે કન્યા ગરીબ પરિવારની છે કેમ કે જાતે વાસણ માંજે છે. જે સાધક છે કે શાંતિ ઈચ્છે છે તે રોજેરોજ પરિવાર કે મિત્રોની બેઠકમાં ભાગ નથી લેતો કેમ કે બંગડીનો ખખડાટ એટલે કે વાદ વિવાદ અને ગેરસમજ થાય જ.

સર્પ : સાપ તેનું દર જાતે નથી બનાવતો. અન્ય જીવ જે દર છોડી ગયા છે કે કુદરતી પોલાણ સર્જાયા છે તેમાં તે રહે છે. સન્યાસીએ કે સાધકે પણ મંદિર, ગુફા કે કુટિરમાં રહેવાનું હોય છે.

બાણ બનાવનાર : ખૂબ જ એકાગ્રથી બાણ પર ધાર સજાવવામાં એકાગ્ર એવા કારીગરની દુકાન પાસેથી રાજાની સવારી પસાર થઈ ગઈ તો પણ તેનું તેને ભાન ન રહ્યું. રાજાએ પણ આ કારીગરને ઈનામ આપીને જાહેર સન્માન કર્યું.તમે તમારું કાર્ય તે રીતે કરો કે સમય અને સ્થળ કે દ્રશ્યથી તમે અજાણ થઈ જાવ. તમારું કાર્ય તપ અને સાધના બની જવું જોઈએ.

કરોળિયો : કરોળિયો તેની જ લાળમાંથી જાળ બનાવે છે અને તેમાં ફસાય છે. આપણે અજ્ઞાની હોઇએ તો આપણું જ પતન નોતરતી જાળ ખુદ બનાવીએ છીએ. કરોળિયા જેવું નથી કરવાનું તે તેના થકી જાણ્યું એટલે કરોળિયો પણ આપણો એક ગુરુ.

કીટક : ભમરી એક કીટકને પકડીને તેના માળામાં મૂકી દે છે. ભમરી તેનો શિકાર કરતા પહેલા કેટલાયે દિવસો સુધી વારેવારે ઉડીને આવે અને પેલા કીટકને નિશ્ચિત સમયે ડંખ મારે. કીટક સતત ફફડાટ સાથે ભમરી અંગે જ વિચારે કે હમણા ભમરી આવશે અને ડંખ લગાવશે. સતત ભમરીનુ ચિંતન કરતાં કરતાં તે કીટક ખરેખર ભમરીમાં રૂપાંતર પામે છે. અર્થાર્થ તમે જેનું અવિરત ચિંતન કરો તેવા તમે બની જાવ છો. કોઈ કુકર્મ રોલ મોડેલ બનાવો અને તેને જ તમારી કાયામાં પ્રવેશ કરવા દો તો તમે તેવા બનશો.

એક જીવડું ભયથી ભમરી બની શકતું હોય તો સતત કોઈ ઈશ્વર, ગુરુ કે પ્રેરણા મૂર્તિનું ચિંતન કરતા તેના જેવા પણ બની જ શકાય છે.

મધ ઉતારનાર : મધમાખી કેટલી બધી મહેનત કરીને મધપૂડો બનાવે છે પણ મધ ઉતારનાર કે લૂંટનાર અચાનક મધપૂડાને વિખેર વિખેર કરીને મધમાખીઓને ઉડાડી મૂકી મધ લઈ લે છે બસ, આ જ રીતે ધન સંચય કરતા દાયકાઓ નીકળી જાય છે પણ કાળની એક જ ઝાપટ ધનનો સફાયો કરી શકે છે. કંઇ પણ પ્રાપ્ત કરો પણ સમય આવ્યે પળ વારમાં જ તે નષ્ટ પામશે.જીવનું પણ તેવું જ છે.

બોલો છે ને કમાલના ૨૪ ગુરુઓ. આ તમામ ગુરુઓની હજારો વર્ષ પહેલાંની યાદી આજે પણ આધુનિક પ્રેરક પ્રસંગો સાથે માત્ર સન્યાસી કે સાધક માટે જ નહીં પણ સંસાર જગતમાં ઉદાહરણીય અને સાર્થક જીવન વ્યતીત કરવું હોય તો ચાવીરૂપ પુરવાર થાય તેમ છે. અવધૂત ચિંતન ગુરુદેવ દત્ત.

તુ જ તારો ગુરુ થા એ બ્રહ્મ વાક્ય જીવનમાં ઉતારવાની જરૂર છે.

સાચી સલાહ આપનાર અને અટવાલી સ્થિતિ માંથી માર કાઢી આપનારને આપણે ગુરુ કહીએ છીએ.

દિવસ પછી ગુરૂ પૂર્ણિમા છે. ભારતની અણમોલ પરંપરારૂપી વારસામાં સંસ્કાર, સેવા, સમર્પણ જેવા ગુણો પ્રમુખ છે. ભારત એવો દેશ છે કે જેની પાસે જીવન તરફ જોવાની ગહન દ્રષ્ટિ છે, જે જીવનને માંગલ્ય અને પ્રકાશ તરફ લઇ જઈ શકે છે. એટલે જ ભારતના નેતાઓ વૈશ્વિક મંચ પર જાય છે ત્યારે વસુધૈવ કુટુંબકમની વાત ગૌરવભેર કરી શકે છે. ભારતનો ઋષિઓ સાષ્ટાંગ દડવતને પાત્ર છે. જીવનભર તપોવનમાં બેસીને ભારતની સંસ્કૃતિને સંસ્કારવા અને ભારતની નવી પેઢીને ઉત્તમ વિચાર પ્રાપ્ત થાય તે દિશામાં ઋષિ મુનિઓએ પ્રયાસો કર્યા હતા. તેથી જ સદીઓ સુધી વિદેશીઓના એકધારા આક્રમણો પછીય ભારતની સંસ્કૃતિને કોઇ હચમચાવી શક્યું નથી.

સાચી વાત કરનાર, સાચી સમજ આપનાર, સાચી સલાહ આપનાર એટલે કે અટવાયેલી સ્થિતિમાંથી માર્ગ કાઢી આપનારને આપણે ગુરૂ કહીએ છીએ. ભારતીય આર્ય પરંપરામાં જ્ઞાનના ઉદગાતા તરીકે દક્ષિણામૂર્તિ શિવસ્વરૂપને, યોગ અને સિદ્ધિના ગુરૂ તરીકે દત્તાત્રેય સ્વરૂપને, શાસ્ત્રોના માર્ગદર્શક ગુરૂ તરીકે મહર્ષિ વેદ વ્યાસ સ્વરૂપને પ્રધાન્ય આપવામાં આવ્યું છે. પ્રાચીન પરંપરાઓમાં સમય જતાં ફેરફારો થાય છે, પરંતુ મૂળ તત્વમાં કોઇ પરિવર્તન થતું નથી. લોકો પોતાનાથી હોશિયાર માણસને ગુરૂ કહેતો થઇ ગયા છે, પરંતુ સમાજનું કલ્યાણ કરનારા અનેક લોકો ગુરૂની ભૂમિકામાં નિસ્વાર્થ સેવા કરી હ્યા છે. લોકા હવે જ્યારે આર્થિક રમૃદ્ધિને જ તાકાત તેમજ મોટું સુખ મને છે અને તેની પાછળ પડેલા છે ત્યારે સંસ્કૃતિને વરેલા ગુરૂઓ હાશિયામાં ધકેલાઈ રહ્યા છે.

ચમત્કાર બતાવતા ગુરુઓમાં સમાજને વધુ રસ પડવા લાગ્યો છે ધીરજ અને સંયમના પાઠ ભણાવતા અને સંસ્કૃતિની સાચી સમજ આપનારાઓની જગ્યાએ નવા આધુનિક ગુરુઓ ગોઠવાઈ ગયા છે કોઈ જ્યોતિષ બનીને આવે છે તો કોઈ તાંત્રિક બનીને આવે છે તો કોઇ તાંત્રિક બનીને આવે છે. ગુરૂ પાસે સતત કંઇક મેળવવાની આશાએ જતા લોકાને છેતરવાની દુકાન ખોલીને બેસનારાઓ ભટકાઈ જાય છે. શેરબજારમાં કઇ સ્ક્રિપ્ટ વધુ વળતર આપશે તેવું કહેતા ગુરૂઓ પર લોકોને વધુ વિશ્વાસ હોય છે. લોકો તાંત્રિકોનો ભોગ બન્યા હોવાના અહેવાલો અવારનવાર મળે છે, છતાં લોકો 1 ચમત્કારની આશાએ તેમના ઘરની બહાર લાઇન લગાવીને ઊભા હોય છે. ગામડાં અને ટાઉન લેવલે ક્યારેક ભૂવાઓને પણ ગુરૂ ગણવામાં આવે છે. અંધશ્રદ્ધાથી ભરેલા લોકો પોતાનાં બીમાર સંતાનોને દોરાધાગા બંધાવીને સુખાકારી મેળવવા પ્રયાસ કરે છે.

આપણા લોક કવિ અખા ભગત કહી ગયા છે કે તું જ તારો ગુરૂ થા. પોતાની ભૂલોમાંથી શીખીને એની એ ભૂલો ફરી ના થાય તો માણસ ઘણું નવું શીખી શકે છે. ઓશો રજનીશને ગુરૂ તરીકે આદર આપનાર બહુ મોટો વર્ગ છે. ગુરૂ પૂર્ણિમાના દિવસે અમદાવાદના શાહીબાગ સ્વામિનારાયણ મંદિરમાં પુષ્કળ માત્રામાં ભાવિકો ઉમટી પડે છે. અનેક મંદિરો અને આશ્રમોમાં ભક્તો માટે જમણવાર (પ્રસાદી) સહિતના કાર્યક્રમો હોય છે.

દરેક જીલ્લામાં ગુરૂ અને તેમના આશ્રમો જોવા મળે છે.

શ્રીમદ ભાગવતના દશમ સ્કંધમાં ગુરૂ સાંદીપનીના આશ્રમમાં અભ્યાસ કરતા શ્રી કૃષ્ણ, શ્રી બલરામ અને શ્રી સુદામાને ગુરૂના આશીર્વાદ હતાકે કે પુત્રો, હું તમારા પર પ્રસન્ન થયો છું. તમારા મનોરથ સફળ થાઓ અને મારી પાસેથી ભણેલા વેદો આ લોકમાં તમારા માટે કદાપી નિષ્ફળ ના થાઓ. આના પરથી એમ કહી શકાય કે જ્ઞાનવિદ્યાની સફળતા સદ્દગુરુના આશીર્વાદથી જ સફળ થાય છે. ગુરૂ પાસે અધ્યાત્મ જીવન ત૨ફ જવાનો રસ્તો હોય છે. જેમણે ગુરૂ કર્યા નથી કે ગુરૂ શરણ લીધું નથી તે માનવીએ જીવન યાત્રામાં બધું જ મેળવ્યું હોવા છતાં કશું જ પ્રાપ્ત કર્યું નથી એમ સમજવું.

ગુરૂ શોધવા બહુ ભટકવાની જરૂર નથી. આપણાં માતાપિતાને પગે લાગીને તેમના આશીર્વાદ મેળવવા તે ગુરૂવંદના સમાન છે. માતાપિતા હયાત ન હોય અથવા તો હાજર ના હોય તો તેમની તસવીરને અગરબત્તી કરીને વંદન કરવાની પ્રથા ગુરૂ વંદના સમાન જ છે.

1 thought on “ગુરૂ પૂર્ણિમા”

  1. ગુડ મોર્નિંગ ભરતભાઈ થેન્ક્યુ સો મચ. તમને પણ ગુરુપૂર્ણિમાની હાર્દિક શુભેચ્છાઓ. 🌻

    Reply

Leave a Comment