લોકમાન્ય તિલક

23 july din vishesh lokmanya tilak

લોકમાન્ય તિલકનો જન્મ કોંકણ પ્રદેશના રત્નાગિરિ ગામમાં ઈ.સ. ૧૮૫૬ની ૨૩મી જુલાઈએ થયો હતો. એમના પિતાનું નામ ગંગાધર પંત અને માતાનું નામ પાર્વતીબાઈ હતું. એમનું ખરૂં નામ હતું બાલ ગંગાધર તિલક.

આઠ વર્ષની નાની ઉંમરે તેમણે સંસ્કૃત રૂપાવલિ, સમાસચક્ર, અમરકોશ અને ગાયત્રીમંત્રનો અભ્યાસ કરી નાંખેલો હતો. સંસ્કૃત ભાષાનું એમને ગજબનું આકર્ષણ હતું. આટલી નાની ઉંમરે બાણભટ્ટની અતિ કિલષ્ટ સંસ્કૃતમાં લખાયેલી કાદંબરી પણ વાંચી નાંખી હતી.

ઈ.સ. ૧૮૬૬માં તેઓ પ્રાથમિક શિક્ષણ પૂરૂં કરી અંગ્રેજી શાળામાં દાખલ થયા હતા. એ જ વર્ષે એમની માતાનું અવસાન થયું હતું. પછી. ઈ.સ. ૧૮૬૯માં તેઓ પૂણેની હાઈસ્કૂલમાં પાંચમાં ધોરણમાં દાખલ થયા હતા. અભ્યાસકાળ દરમ્યાન જ ઈ.સ. ૧૮૭૧માં લાડઘર ગામની તાપીબાઈ નામની કન્યા સાથે તેમનું લગ્ન થયું. તેમના લગ્ન સમયે જ પિતાની તબિયત નાદુંરસ્ત હતી. તેમની લગ્ન પછી તરત જ પિતા પણ સ્વર્ગની સફરે ચાલ્યા ગયા હતા. તેમણે બાળપણ કાકાને ઘેર રહી વીતાવવું પડેલું.

મેટ્રીકની પરીક્ષા પાસ કરી તિલક પૂણેની ડેક્કત કોલેજમાં દાખલ થયા. નબળો શારિરીક બાંધો ધરાવતા તેઓ નિયમિત કસરત કરતા હતા. ઈ.સ. ૧૮૯૯માં કાશીમાં તેરસો ફૂટ પહોળો પ્રવાહ તરી ગયા હતા. ગણિત, ઈતિહાસ, સંસ્કૃત,ધર્મશાસ્ત્ર, ખગોળ અને શરીરશાસ્ત્ર એમના રસના વિષયો હતા.

સંસ્કૃતમાં તેમણે ‘માતૃવિલાપ’ નામનું કાવ્ય પણ રચ્યું હતું. ઈ.સ. ૧૮૭૬માં તેમણે બી.એ.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પાસ કરી, પણ ઈ.સ ૧૮૭૭માં એમ.એ.ની પરીક્ષામાં તેઓ નાપાસ થયા હતા. ઈ.સ. ૧૮૭૯માં તેઓ એલ.એલ.બી. થયા.

ગરીબ પ્રજાની સેવા અને દેશનો વિકાસ કરવાની શુભ ભાવનાથી આગરકર અને ચિપલુણકર સાથે મળીને ઈ.સ. ૧૮૮૦ની ૧ લી જાન્યુઆરીના રોજ ‘ન્યૂ ઈંગ્લિશ સ્કૂલ’ નામની શાળા શરૂ કરી. ઈ.સ. ૧૮૮૯થી તેમણે રાજકારણમાં ઝંપલાવ્યું.

તેમણે પૂનામાં યોજાયેલા કોંગ્રેસ અધિવેશનમાં ભાગ લીધો હતો. ૧૮૮૯માં બોમ્બે પ્રોવિન્સિયલ કોન્ફરન્સના બીજા અધિવેશનમાં ભાગ લઈ મીઠા પરનો કરવેરો ઘટાડવાની માંગણી કરી હતી. ટિળક લોકજાગૃતિ દ્વારા મહિલાઓની લગ્નવય વધારવાના હિમાયતી હતા. ઈ.સ. ૧૮૯૧માં નાગપુર અધિવેશનમાં ભાગ લઈ હથિયાર ધારાને લગતો ઠરાવ રજૂ કર્યો હતો.

ઈ.સ. ૧૮૯૭માં મહારાષ્ટ્રમાં તેમણે ગણપતિ ઉત્સવની શરૂઆત કરી હતી. મહોરમના વિકલ્પરૂપે હિન્દુઓમાં જાગૃતિ લાવવા ૧૦ દિવસનો ગણેશ ઉત્સવ તેમણે શરૂ કર્યો હતો. આજે આ ઉત્સવ સમગ્ર ભારતમાં ઉત્સાહભેર ઉજવવામાં આવે છે. ઈ.સ. ૧૮૯૭માં ‘ઓરાયન’ નામનું પુસ્તક લખીને તેમણે એ પ્રથમવાર ઋગ્વેદની રચનાનો સમય નક્કી કર્યો હતો.

શિવાજી ઉત્સવ ઉજવવાની શરૂઆત કરનાર પણ ટિળક જ હતા. ઈ.સ. ૧૬૭૪માં શિવાજી મહારાજનો રાજ્યભિષેક જે રાયગઢના કિલ્લામાં થયો હતો. તે કિલ્લો દુર્દશાગ્રસ્ત થઈ ગયો હતો. આ કિલ્લાના જિર્ણોદ્ધારનું કામ પણ ટિળકે જ કરાવેલું. ૧૦ એપ્રિલ, ૧૮૯૬ના રોજ આ કિલ્લામાં શિવાજી જન્મજયંતિની ભવ્ય ઊજવણી કરવામાં આવેલી.

ટિળક હવે મહારાષ્ટ્રના રાજકીય નેતામાંથી રાષ્ટ્રીય નેતા બની ગયા હતા. ટિળક લોકોમાં જગાડેલી સંઘર્ષ કરવાની વૃતિમાંથી ઉગ્રવાદનો જન્મ થયો. અંગ્રેજસરકારનો ઉગ્ર વિરોધ કરતું એક જૂથ તૈયાર થયું. ટિળક સાથે લાલા લજપતરાય, મહર્ષિ અરવિંદ, ખાપર્વે અને બિપિનચંદ્ર પાલ પણ જોડાયા. એ સમયે ભારતમાંથી જોર્જ હેમિલ્ટને જણાવેલું કે, હિંદમાં અંગ્રેજ સરકાર દારૂગોળાના ઢગ પર બેઠી છે.

બંગભંગની ચળવળ સામે લોકજાગૃતિ ઊભી કરવા ટિળકે આખા મહારાષ્ટ્રનો પ્રવાસ ખેડી ઠેર-ઠેર પ્રવચનો કર્યાં હતાં. લોકોએ જ તેમને ‘લોકમાન્ય’ કહી સંબોધવાની શરૂઆત કરી હતી. દેશનાં બાળકોને માતૃભાષામાં શિક્ષણ આપવાના તેઓ પ્રખર હિમાયતી હતા. ભારતીય સંસ્કૃતિને એક તાંતણે બાંધવા તેમણે ‘એક ભાષા એક લિપિનું’ સૂત્ર આપ્યું હતું. ભારતમાં સમાન વજનપદ્ધતિ શરૂ કરવાની તેમણે તરફેણ કરી હતી. તેમણે ઉગ્રવાદીઓને સંગઠિત કરી ‘રાષ્ટ્રવાદી પક્ષ’ ની સ્થાપના કરી હતી.

આ પછી તેમણે મરાઠીમાં ‘કેસરી’ નામનું છાપું શરૂ કર્યું હતું. કોલ્યહાપુરના ગાદીના વારસદાર સંદર્ભે ઝઘડો ઊભો થતાં તિલકે ‘કેસરી’માં લેખો લખવા માંડ્યા, તેમના લખાણને લઈ હાઈકોર્ટમાં કેસ ચાલ્યો. તિલક અને તેમના સાથી આગરકરને ૧૬ જુલાઈ, ૧૮૮૨ના રોજ ચાર માસની સખત કેદની સજા ફટકારી. આ હતી તેમની સૌપ્રથમ જેલયાત્રા.

જેલમાંથી છૂટચા બાદ ૨૪ ઓક્ટોબર, ૧૮૮૪ના રોજ તેમણે પૂનામાં ડેક્કન એજ્યુકેશન સોસાયટી ની સ્થાપના કરી. અને તે વખતના ગર્વનર ફયશનના નામ પરથી ૨ જાન્યુઆરી, ૧૮૮૫ના રોજ ‘ફર્ગ્યુશન’ કોલેજ શરૂ કરી. ૭ ઓગસ્ટ, ૧૮૯૫ના રોજ તિલક મુંબઈની ધારાસભામાં મોટી બહુમતીથી ચૂંટાઈ આવ્યા હતા. હવે તેઓ દેશના લોકપ્રિય નેતા બની ગયા હતા. ઈ.સ. ૧૮૯૫ના મહાસભાના અધિવેશનની કારોબારીના મંત્રી તરીકે તેઓ ચૂંટાયા હતા. તેમણે ઈ.સ. ૧૮૯૬માં પડેલા દુકાળમાં દેશના લોકોની સેવા કરવાના ભગીરથ પ્રયત્નો કર્યા હતા. લોકો સ્વદેશી ચીજવસ્તુઓનો ઉપયોગ કરતા થાય તે માટે ‘કેસરી’માં લેખો લખ્યા હતા.

સિલોનમાં જઈ તેમણે બૌદ્ધ તત્વજ્ઞાન અને સંસ્કૃતિને પણ અભ્યાસ કરેલોય ઈ.સ. ૧૯૧૬માં દેશમાં હોમરૂલ ચળવણની શરૂઆત થઈ. ટિળકે આ ચળવળનો પૂરજોશમાં પ્રચાર કર્યો. આ વર્ષે તિલકને ૬૦ વર્ષ પૂરાં થતાં હોઈ તેમના સાથીદારોએ હીરક મહોત્સવ ઊજવી રૂપિયા એક લાખની થેલી અર્પણ કરી.

તેમનો મંત્ર હતો ‘સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે. અને હું તે મેળવીને જ રહીશ’.

મહારાષ્ટ્રમાં ગણેશોત્સવ અને શિવાજી ઉત્સવની ઊજવણીની શરૂઆત કરનાર

૬૪ વર્ષની ઉંમરે તેમને ન્યૂમોનિયા થયો. તેમની તબિયત લથડી. તેમને ‘એજિંના પ્રેક્ટિસ’ નો હુમલો આવ્યો અને તેઓ આ  દુનિયાનો ત્યાગ કરી અનંતની યાત્રાએ ઉપડી ગયા. ૧ ઓગસ્ટે બપોરે ૨:૦૦ વાગ્યે ‘સરદાર ગૃહમાંથી’તેમની સ્મશાન યાત્રા નીકળી હતી જેમાં બે લાખ માણસો જોડાયા હતા. કહે છે કે, તે સમય સુધીની સૌથી લાંબી સ્મશાન યાત્રા હતી.

લોકોએ તેમને ‘ટિળક ભગવાન’ કહી વિદાય આપી હતી. મુંબઈના લોકોએ કોઈ નેતાને આપી ના હોય તેવી એ વિદાય હતી. ભારતનો ઈતિહાસ સદાકાળ એમનું સ્મરણ કરતો રહેશે.

Leave a Comment