ઉત્તમકુમાર ચટ્ટોપાધ્યાય

known as the Mahanayak Uttam Kumar Chattopadhyay

બંગાળની ધરતીના ખોળે બંગાળી ચલચિત્રોના હોનહાર અભિનેતા ઉત્તમકુમાર ચટ્ટોપાધ્યાયનો જન્મ ૩, સપ્ટેમ્બર, ઇ.સ. ૧૯૨૬ ના રોજ થયેલો. ગુજરાતી ફિલ્મજગત પર જેમ ઉપેન્દ્ર ત્રિવેદી લાંબા સમય સુધી છવાયેલા રહેલા તેમ બંગાળી ફિલ્મ જગતમાં ઉત્તમ કુમારે લગભગ ત્રીસ વર્ષ સુધી એકચક્રી આણ વર્તાવેલી. તેમની બહુમુખી પ્રતિભા અને જીવંત અભિનયથી તેઓ બંગાળી લોકોના હૃદયોમાં વસી ગયેલા.

જાણે ગળથૂથીમાંથી જ અભિનયના સંસ્કાર પામ્યા હોય તેમ બાળપણથી જ જુદાં જુદાં પાત્રો ભજવવાનો શોખ હતો. શાળાનાં નાટકોમાં તે અચૂક ભાગ લેતાં. દશ વર્ષની વયે શાળામાં ભજવાયેલા નાટક ‘ગયાસુર’ માં સર્વોત્તમ અભિનય બદલ તેમને ચંદ્રક એનાયત કરવામાં આવેલો. તેમનો નાટક પ્રત્યેનો લગાવ એવો પ્રબળ હતો કે ઘરમાં પણ તેઓ નાટકના સંવાદો બોલતા હોય એવી અદાથી બધાં સાથે વાત કરતા.

અઢાર વર્ષની નાની ઉંમરે તેઓ કોલકાતા બંદરની કમિશ્નરની કચેરીમાં કામે લાગેલા. જેવો નાટકનો શોખ એવો એમને સંગીતનો પણ શોખ હતો. નાની વયથી જ સંગીતમાં પ્રાવીણ્ય હાંસલ કરી લીધેલું. કમિશ્નર કચેરીની નોકરી સાથે સાથે તેઓ એક સ્થાનિક શાળામાં સંગીત શીખવવા પણ જતા. કલાકાર અને સંગીતકાર તરીકે તેમનું નામ કોલકાતામાં ખૂબ જાણીતું થઇ ગયેલું.

તેમની અભિનય ક્ષમતાના જોરે તેમણે ઇ.સ. ૧૯૪૭માં એકવીસ વર્ષની ઉંમરે ‘માયાડોર’ નામની ફિલ્મમાં કામ મેળવેલું. બસ, ત્યારથી એમની ફિલ્મ કારકિર્દીની શરૂઆત થઇ ગયેલી. એ ફિલ્મમાં ઉત્તમકુમારના અભિનયની ચારેકોરથી ખૂબ પ્રશંસા થયેલી. ચિત્રના નાયક તરીકે તેમણે સૌ પ્રથમ ‘કામના’ ફિલ્મમાં કામ કરેલું. પણ તેમને ખરી પ્રસિદ્ધિ તો મળી હતી ઇ.સ. ૧૯૫૨ માં રજૂ થયેલી ફિલ્મ ‘બસુ પરિવાર’ થી. એ ફિલ્મમાં એમણે નાયકની ભૂમિકા કરેલી.

મોટા ભાગની બંગાળી ફિલ્મોમાં તેમની સાથે નાયિકાનો રૉલ સુચિત્રા ફૅન નિભાવતી. ઉત્તમકુમાર અને સુચિત્રા સૅનની બહુધા ફિલ્મો સુપરહીટ નીવડેલી. તેમની ‘અગ્નિપરીક્ષા’ નામની ફિલ્મ જબરજસ્ત લોકપ્રિયતા પ્રાપ્ત કરેલી. ઉત્તમકુમાર અને સુચિત્રા સૅનની જોડીએ જેટલી ફિલ્મોમાં અભિનય આપ્યો છે તેટલી ફિલ્મોમાં કોઇ એક જોડીએ અભિનય આપ્યો હોય તેવું આજ સુધી બન્યું નથી. ઉત્તમકુમારની સુચિત્રા સેન સાથેની જોડી ઉપર બંગાળી પ્રક્ષકો જાન ન્યોછાવર કરી દેતા

જાણે ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે લોકપ્રિય થયેલી ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલત્તાની જોડી કરતાં પણ બંગાળી ફિલ્મ ક્ષેત્રે ઉત્તમકુમાર અને સુચિત્રા સેનની જોડી વધુ મશહૂર હતી. બંને કલાકારો જીવંત અને વાસ્તવિક અભિનય આપવા ખૂબ જ જાણીતાં થયેલાં.

ઉત્તમકુમાર સારા ગાયક પણ હતા. નચિકેતા ઘોષ નામના બંગાળી સંગીત દિગ્દર્શકની ફિલ્મ ‘નવજન્મ’ માં તેમણે છ ગીતોને કંઠ આપેલો. તેઓ જન્મજાત સંગીતકાર તો હતા જ. ઇ.સ. ૧૯૬૬ માં તેમણે ‘કાલતુમિ આબેયા’ ફિલ્મમાં સંગીત નિર્દેશક તરીકે કામ કરેલું.

ભારતના પ્રથમ પંક્તિના ફિલ્મ નિર્માતા અને નિર્દેશક સત્યજિત રાય નિર્મિત ફિલ્મ ‘નાયક’ માં ઉત્તમકુમારે હીરોની ભૂમિકા ભજવેલી. એ ફિલ્મ જર્મનીના બર્લિન ફિલ્મ મહોત્સવમાં પ્રદર્શિત કરવામાંઆવેલી. એ ફિલ્મ મહોત્સવમાં સત્યજિત રાય સાથે ઉત્તમકુમાર પણ હાજર રહેલા. ઉત્તમકુમારે અભિનય આપ્યો હોય તેવી પ્રથમ હિન્દી ફિલ્મ હતી ‘એક છોટી સી મુલાકાત.’ ઇ.સ. ૧૯૬૭માં ‘ચિડિયાખાના’ અને ‘એન્ટની ફિરીંગ’ ફિલ્મોમાં તેમણે આપેલા અભિનય બદલ તેમને ‘ભારત પુરસ્કાર’ થી નવાજવામાં આવેલા.

ઉત્તમ અભિનેતા, સંગીતકાર, ગાયક અને દિગ્દર્શક એવા ઉત્તમકુમાર બસો બંગાળી ચલચિત્રોમાં અને નવ હિન્દી ચલચિત્રોમાં અભિનયનાં તેજ પ્રસરાવીને ૨૪, જુલાઇ, ઇ.સ. ૧૯૮૦ના રોજ વિશ્વના રંગમંચ પરથી હંમેશ માટે વિદાય થઇ ગયા હતા. સ્થૂળ દેહે તેમનું અસ્તિત્વ ના હોવા છતાં બંગાળની પ્રજા પેઢીઓ સુધી તેમને યાદ કરતી રહેશે.

Leave a Comment